વચનામૃત ગઢડા મધ્યનું - ૨૪

સંવત ૧૮૭૯ના શ્રાવણ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચઢીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે મોગરાનાં પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિષે મોગરાનાં પુષ્પનો તોરો ધારણ કર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ભગવાનને વિષે અચળ નિષ્ઠાવાળો જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક યોગનિષ્ઠા છે ને બીજી સાંખ્યનિષ્ઠા છે તેમાં યોગનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે અને સાંખ્યનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યનાં સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેનાં જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોકની માંહીલી કોરે જે જે સુખ છે તે સર્વેને પ્રમાણ કરી રાખે જે આ સુખ તે આટલું જ છે અને એ સુખની કેડે જે દુઃખ રહ્યું છે તેનું પણ પ્રમાણ કરી રાખે પછી દુઃખે સોતાં એવાં જે સુખ તે થકી વૈરાગ્ય પામીને પરમેશ્વરને વિષે જ દૃઢ પ્રીતિ રાખે, એવી રીતે સાંખ્યનિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય અને યોગનિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય પણ કોઈક વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કાંઈક બીજે પણ ચોંટી જાય, કેમ જે યોગનિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય માટે ક્યાંક વિઘ્ન થઈ જાય ખરું; અને સાંખ્યનિષ્ઠા ને યોગનિષ્ઠા એ બે ય જો એકને વિષે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહિ અને એમ સમજે જે, ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે એમ જાણીને એક ભગવાનને વિષે જ દૃઢ પ્રીતિ રાખે છે માટે એવા ભક્તને કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૨૪।। (૧૫૭)

          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં સાંખ્યનિષ્ઠાવાળા ભક્ત સર્વના સુખ-દુઃખનું પ્રમાણ કરી રાખે ને તેમાંથી વૈરાગ્ય પામીને અમારે વિષે પ્રીતિ રાખે એવું સમજણનું બળ હોય; અને યોગનિષ્ઠાવાળાને વિષમ દેશકાળે કરીને અમારી મૂર્તિમાંથી બીજે વૃત્તિ ચોંટી જાય અને એ બે નિષ્ઠા ભેળી હોય તો અમારા વિના બીજે લોભાય નહિ, કેમ જે અમે તથા અમારા મુક્ત ને અમારું અક્ષરધામ તે વિના બીજા દેવોના વૈભવ તે સર્વને તે નાશવંત જાણે ને અમારે વિષે જ પ્રીતિ રાખે માટે તેને વિક્ષેપ આવે જ નહિ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.

       પ્ર. અમે ને અમારા મુક્ત ને ધામ તે વિના બીજા લોક, દેવ ને વૈભવ સર્વે નાશવંત જાણે એમ કહ્યું ત્યારે તો ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર તે સર્વે દેવ સંજ્ઞામાં ભેળા આવી ગયા તે તો અવિનાશી છે તેને નાશવંત કેમ કહેવાય ?

       ઉ. શ્રીજીમહારાજે નાશવંત છે એમ નથી કહ્યું એ તો જેની શ્રીજીમહારાજને આકારે વૃત્તિ થઈ હોય તે ભક્ત એમ સમજે, કેમ કે એની દૃષ્ટિ શ્રીજીમહારાજને આકારે થઈ ગઈ હોય તેથી તેને બીજું કાંઈ ભાસે જ નહીં. તે (પ્ર. ૫૧માં) પુરુષોત્તમ વિના બીજું કાંઈ ભાસે જ નહિ તેની દૃષ્ટિએ કહ્યું છે અને પ્રકૃતિપુરુષનું કાર્ય તો નાશવંત છે જ. ।।૨૪।।